header

તરણ,swimming

 
તરણસ્પર્ધાઓ (aquatics)
 
 
પાણીની અંદર યા તેની સપાટી પર યોજાતી તરવાની સ્પર્ધાત્મક રમતો.




 

                            વખત ૧૮૯૬માં ઍથેન્સ ખાતે યોજાયેલા પ્રથમ ઑલિમ્પિક રમતોત્સવમાં સૌપ્રથમ તરણસ્પર્ધાઓને સ્થાન મળ્યું. સ્ત્રીઓ માટે તરવાની સ્પર્ધાઓ ૧૯૧૨માં સ્ટૉકહોમ ખાતે યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવથી શરૂ થઈ. હાલમાં ઑલિમ્પિક રમતોત્સવમાં ૧૦૦ મી.; ૨૦૦ મી. તથા ૪૦૦ મી. ફ્રી-સ્ટાઇલ, ૧૦૦ મી. તથા ૨૦૦ મી. બ્રેસ્ટ સ્ટ્રોક, ૧૦૦ મી. તથા ૨૦૦ મી. બટરફ્લાય, ૧૦૦ મી. તથા ૨૦૦ મી. ઍક સ્ટ્રોક, ૪૦૦ મી. વ્યક્તિગત મેડલી તથા ૪ X ૧૦૦ મી. રિલે એટલી તરણસ્પર્ધાઓ પુરુષો તથા સ્ત્રીઓ બંને માટે યોજાય છે; જ્યારે ૧૫૦૦ મી.ની ફ્રી-સ્ટાઇલ તથા ૪ X ૨૦૦ મી.ની ફ્રી-સ્ટાઇલ રિલે ફક્ત પુરુષસ્પર્ધકો માટે અને ૮૦૦ મી. ફ્રી. સ્ટાઇલ તથા ૪ X ૧૦૦ મી. ફ્રી-સ્ટાઇલ રિલે ફક્ત સ્ત્રી-સ્પર્ધકો માટે યોજવામાં આવે છે.

 


                        તરણસ્પર્ધાઓ એ માટેના ખાસ તરણકુંડોમાં યોજવામાં આવે છે. તરણકુંડની લંબાઈ ૫૦ મી. તથા પહોળાઈ ૨૧ મી. હોય છે. તેમાં એકસાથે આઠ સ્પર્ધકો તરી શકે છે. તે દૃષ્ટિએ ૨.૫ મી. પહોળાઈની એક, એવી ૮ ગલીઓ (લેન) હોય છે. પાણીની સપાટી ઉપર તરતી રહી શકે તેવી ભૂંગળીઓમાં નાયલૉનની દોરી પરોવી, દોરીને કુંડના એક છેડાથી બીજા છેડા સુધી બાંધી તરણમાર્ગની સીમારેખા નિર્ધારિત કરવામાં આવે છે. દરેક સ્પર્ધકે પોતાની નિયત લેનમાં રહીને જ સ્પર્ધા પૂરી કરવાની હોય છે. દરેક સ્પર્ધામાં વળાંક લેતી વખતે હરીફે દીવાલને શરીરના કોઈ ભાગ વડે સ્પર્શીને વળાંક લેવો પડે છે.

 


                             ડૂબકી(diving)ની રમતમાં સ્પર્ધક ઊંડા પાણીની  સપાટી ઉપર હાઈ બોર્ડ, પ્લૅટફૉર્મ કે સ્પ્રિંગબોર્ડ ઉપરથી કૂદકો મારીને નીચે પાણીની સપાટી તરફ લંબરેખાએ આવી પાણીમાં પ્રવેશે છે. પાણીમાં પ્રવેશતી વખતે હાથ માથા પર ખેંચાયેલા રહે છે તથા શરીર સીધી લીટીમાં રહે છે, જેથી પ્રવેશ વખતે ઓછામાં ઓછું પાણી ઊડે છે. બોર્ડ પરથી કૂદકો લઈ પાણીમાં પ્રવેશે તે દરમિયાન હવામાં જિમ્નેસ્ટિક્સની – અંગમરોડની વિવિધ કસરતો પણ કરી બતાવવામાં આવે છે. આ રમતમાં શરીરનાં તમામ અંગો પરનો સંપૂર્ણ કાબૂ, સ્નાયુઓની લવચીકતા, અંગમરોડની વિવિધ ગતિવિધિઓની જાણકારી આવશ્યક છે. અત્યાર સુધીમાં ૬૩૪ પ્રકારની ડૂબકીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે માન્ય થયેલી છે.

 


                            આ ઉપરાંત લાંબા અંતરની ૨૫૦૦ મી.થી વધારે અંતરની તરણસ્પર્ધાઓ ખુલ્લા પાણીમાં એટલે કે નદી, સરોવર યા સમુદ્રમાં યોજાય છે. આ પ્રકારની સ્પર્ધાઓમાં સ્પર્ધકને ઠંડી, પાણીના ઊછળતા પ્રવાહો, ભરતીનાં વહેણ, મોજાં, પવનના સપાટા વગેરેનો સામનો કરવો પડે છે. આ સ્પર્ધામાં ઇંગ્લિશ ચૅનલ (ખાડી) તરવાનું આકર્ષણ અજોડ છે. અન્ય તરણસ્પર્ધાઓમાં નૃત્યાત્મક જલક્રીડાઓ, વૉટરપોલો, નૌકાચાલન જેવી સ્પર્ધાઓ મુખ્ય છે.



                        પૂજ્ય મોટાની પ્રેરણાથી સ્વાતંત્ર્યવીર  સાવરકરના નામે દર વર્ષે યોજાતી લાંબા અંતરની તરણસ્પર્ધા ગુજરાતમાં ચોરવાડના દિરયેથી શરૂ થાય છે અને વેરાવળ સુધીનું આશરે ૨૮ નૉટિકલ માઈલ જેટલું અંતર સ્પર્ધકને મધદરિયે પૂરું કરવાનું હોય છે.

 


                         દેશવિદેશમાં યોજાતી તરણ-સ્પર્ધાઓમાં ભારતીય સ્તરે વીરધવલ ખાડે, સંદીપ સેજવાલ, શિખા ટંડન અને સેબેસ્ટિયન ઝેવિયર જેવા તો વૈશ્વિક સ્તરે માઇકલ ફેલ્પ્સ, કિટાજિમા અને ઇયાન થૉર્પ જેવા તરણસ્પર્ધકો ઉત્તમ તરણવીરો તરીકે સન્માનિત થયા છે.

 

READ ડેન્માર્ક,Denmark





 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ