તાઇવાન ચીનની મુખ્ય ભૂમિથી ૧૬૦ કિમી. દૂર આવેલો ટાપુઓવાળો દેશ : જૂનું નામ ફૉર્મોસા.
તે ૨૧° ૪૫’ ઉ.થી ૨૫° ૧૫’ ઉ. અક્ષાંશવૃત્ત તથા ૧૨૦⁰ ૦થી ૧૨૨⁰૦૦
પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તાઇવાન મુખ્ય ટાપુ છે. તેના જૂથમાં બીજા ૧૫ ટાપુઓ તેમ જ ૬૪ જેટલા નાના પેસ્કાડૉરસ
દ્વીપસમૂહનો સમાવેશ થાય છે. આ બધાનું કુલ ક્ષેત્રફળ ૩૬, ૧૮૮ ચોકિમી. જેટલું છે.
તાઇવાનની પશ્ચિમે આવેલી સામુદ્રધુનીથી
તે ચીનથી અલગ પડે છે, તાઇવાનની ઉત્તરમાં પૂર્વ ચીની સમુદ્ર, પૂર્વમાં પેસિફિક મહાસાગર અને
દક્ષિણમાં લ્યુઝોનની સામુદ્રધુની આવેલાં છે.
તાઇવાન પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાંની
દ્વીપ-શૃંખલાનો એક ભાગ છે. તે ફાટખીણો અને ખંડપર્વતો બનવાથી અસ્તિત્વમાં આવેલો છે. ચુંગયાંગ શાસ્મો અહીંની મુખ્ય પર્વતમાળા છે. સર્વોચ્ચ શિખર ‘યુશાન’ ૩૯૯૭ મી. ઊંચું છે. તાનશૂઇ અને ચો-શૂઇ અહીંની મુખ્ય નદીઓ છે.
મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થવાને
લીધે અહીંની આબોહવા ઉપ-અયનવૃત્તીય છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે ૧૫,૩ અને ૨૮.૫૦ જેટલાં રહે છે. મધ્યસ્થ પર્વતીય ક્ષેત્રો શિયાળામાં
બરફથી છવાઈ જાય છે. દેશનો સરેરાશ વાર્ષિક વરસાદ ૧૭૭૦ મિમી. છે. અહીં ચક્રવાત (typhoon) ફૂંકાવાની શક્યતાઓ વિશેષ રહે છે.
તેના મેદાની પ્રદેશોમાં બારેય માસ
હરિયાળી છવાયેલી રહે છે. થોડાક ભાગોમાં વાંસ તથા તાડનાં અયનવૃત્તીય મિશ્ર જંગલો જોવા મળે છે. અહીં કપૂરનાં વૃક્ષો, સિડાર, જુનિયર, મૅપલ અને જાપાની સિડાર જેવાં વૃક્ષો તેમ જ વધુ ઊંચાઈએ શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. ઇમારતી લાકડાં, પોચાં લાકડાં તથા કપૂર અહીંની મુખ્ય
જંગલ-પેદાશો છે. અહીંનાં જંગલોમાં મુખ્યત્વે હરણ, ભુંડ, રીંછ, વાનર જેવાં પશુઓ તેમ જ માખીમાર, કલકલિયો, તેતર, ચંડોળ જેવાં પક્ષીઓ જોવા મળે છે. દરિયાકાંઠાના તથા નદીના વિસ્તારોમાં
મત્સ્યઉદ્યોગનો વિકાસ થયો છે.
ડાંગર, શેરડી, શણ, ઘઉં ઉપરાંત કેળાં, લીચી, પીચ, અનેનાસ, તડબૂચ, નારંગી જેવાં ફળો અને શાકભાજીની ખેતી
મુખ્ય છે. વાતશૂન્ય ડબ્બાઓમાં ફળો અને શાકભાજીની નિકાસ કરવામાં આવે છે.
તાઇવાનમાં કોલસાનું ઉત્પાદન વિશેષ થાય
છે. બીજાં અગત્યનાં ખનિજોમાં તાંબું, સોનું, લોખંડ, મેંગેનીઝ, શંખજીરું, કાચ-રેતી વગેરેનો સમાવેશ થાય છે. બધા ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અહીં વીજળી અને વીજાણુસાધનો
બનાવવાના; કાગળ, ખાંડ, તૈયાર કપડાં, રસાયણો, સિમેન્ટ, કાચ, સિગારેટ, રબર તથા ચામડાનો સરસામાન બનાવવાના તેમ જ ખાદ્ય ચીજોને લગતા ઉદ્યોગો
ચાલે છે. કી-લંગ અને કાઓસિયુંગ અહીંનાં મુખ્ય બંદરો છે.
તાઇવાનની કુલ વસ્તી ૨,૩૦,૬૧,૬૮૯ (૨૦૧૧) છે. તાઇપેઇ દેશનું પાટનગર તેમ જ મોટું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર
છે. કી-લુંગ, કાઓસિયુંગ, તાઇચુંગ અને તાઇનાન અગત્યનાં શહેરો છે. મેન્ડેરિન ચીની (Mandarin Chinese) અહીંની માન્ય ભાષા છે. બૌદ્ધ, તાઓ તથા કન્ફ્યુશિયસ મુખ્ય ધર્મો છે. તે ઉપરાંત ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ
પાળનારા પણ છે. ચાંદ્ર નૂતન વર્ષ (Lunar New year) અહીંનો ખૂબ જાણીતો તહેવાર છે. બીજો ખૂબ જાણીતો દિવસ 'Double Ten' (the 10 day of 10 Month) છે. તે રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવાય છે.
અહીં તાઓ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મનાં સ્થળો
જોવાલાયક છે.
ઇતિહાસઃ
ઈ. સ. ૫૦૦થી ચીનના લોકો અહીં વસવાટ કરે છે. ઈ. સ. ૧૬૦૦થી ચીનાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો. પોર્ટુગીઝોએ ૧૫૯૦માં આ ટાપુની મુલાકાત
લીધી હતી અને તેને ‘ફૉર્મોસા' (સુંદર) નામ આપ્યું હતું. ઈ. સ. ૧૬૪૧માં ડચ લોકોએ તાઇવાન કબજે કર્યું. તેમણે તે પછી ચીનના મિંગ વંશને તેનો
કબજો સોંપવો પડ્યો. તે પછી ૧૬૮૩માં ચીનના મંચુઓએ
તાઇવાન જીતી લીધું અને ૨૧૨ વર્ષ શાસન કર્યું. ચીન-જાપાન યુદ્ધના અંતે ઈ. સ. ૧૮૯૫માં જાપાન તાઇવાન કબજે કર્યું. ચીનમાં ૧૯૪૯માં સામ્યવાદી પક્ષે સત્તા કબજે કરતાં, આંગ કાઇ-શૈકની ક્વો-મિન્ટાંગ સરકાર તેના ૫ લાખના લશ્કર સાથે તાઇવાન નાસી ગઈ. ચીનની સામ્યવાદી સરકારે આ ટાપુ પર દાવો કર્યો અને ૧૯૫૦માં અમેરિકાના નૌકાદળે સામ્યવાદી ચીનનું આક્રમણ અટકાવ્યું.
ત્યારબાદ તાઇવાનને સતત અમેરિકાની સહાય
મળતી રહી. ૧૯૭૫માં આંગ કાઇ-શેકના મરણ પછી તેનો પુત્ર આંગ ચિંગ-ક્વો સત્તા પર આવ્યો. ૧૯૭૯માં અમેરિકાએ બેજિંગની સરકારને માન્યતા આપવાથી ફૉર્મોસા ટાપુ
ચીનનો પ્રદેશ ગણાય છે. ૧૯૮૭માં લશ્કરી કાયદો ઉઠાવી લેવામાં આવ્યો. ૧૯૮૮માં લી તેંગ-હુઇ પ્રમુખ બન્યો. માર્ચ, ૧૯૯૬ની લોકશાહી પ્રમુખની ચૂંટણીમાં લી
જીત્યો; પરંતુ ઈ.સ. ૨૦૦૦માં ક્વોમિન્ટાંગ શાસનનો અંત આણીને ડેૉક્રેટિક પ્રોગ્રેસિવ
પાર્ટીનો ચેન શુઇબિયાન પ્રમુખ તરીકે જીત્યો. હાલમાં (૨૦૧૧માં) આ પક્ષનું શાસન છે.
READ તરણ,swimming
0 ટિપ્પણીઓ
Please do not share links in comment