ટેનિસ
પશ્ચિમના દેશોમાં રમાતી એક ખર્ચાળ રમત.
તેની શરૂઆત ઇંગ્લૅન્ડમાં થઈ હતી અને
સાચા અર્થમાં આ રમત શરૂ કરવાનું અને તેને ધંધાદારી બનાવવાનું શ્રેય ઇંગ્લૅન્ડના
મેજર વૉલ્ટર ક્લન વિંગફિલ્ડને જાય છે. શરૂઆતમાં તે ‘ઇનડૉર ગેમ’ તરીકે રમાતી હતી, પરંતુ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં તે
લોકપ્રિય અને પ્રચલિત થવાથી અત્યારે ટેનિસ ‘આઉટડૉર ગેમ’ તરીકે વધુ રમાય છે. વિશ્વકક્ષાએ આ રમતનું સંચાલન ઇન્ટરનેશનલ લૉન-ટેનિસ ફેડરેશન કરે છે. તેની સ્થાપના ૧૯૧૩માં ફ્રાન્સમાં પૅરિસ મુકામે થઈ હતી. આ રમત ખર્ચાળ હોવાથી મોટા ભાગે ધનિક લોકો તે વધુ પ્રમાણમાં રમે છે. આજે આ રમત સમગ્ર વર્ષ દરમિયાન રમાય છે અને આર્થિક દૃષ્ટિએ ખૂબ જ
સમૃદ્ધ ગણાય છે. આજે તો કેટલાક ધંધાદારી ખેલાડીઓ વર્ષેદહાડે આ રમત દ્વારા કરોડો
રૂપિયાની કમાણી કરે છે.
ટેનિસની રમત જાડા રૅકેટ અને સફેદ, પીળા કે લીલા દડાઓથી રમાય છે. ટેનિસમાં સામસામા ઓછામાં ઓછા બે તથા
વધુમાં વધુ ચાર ખેલાડીઓ ભાગ લઈ શકે છે. જો તે બે ખેલાડીઓની રમત હોય તો એને ‘સિંગલ્સ’ અને બબ્બેની જોડીઓ વચ્ચેની રમત હોય તો તેને ‘ડબલ્સ’ કહેવામાં આવે છે. જો જોડીમાં એક પુરુષ તથા એક મહિલા
ખેલાડી હોય તો એને ‘મિક્સ ડબલ' કહેવામાં આવે છે. મોટા ભાગે આ રમત હાર્ડ કોર્ટ, ગ્રાસ કોર્ટ અને ક્લે કોર્ટ પર રમાતી
હોય છે. દરેક કોર્ટ પર એકસરખું પ્રભુત્વ મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે જ ત્રણેય પ્રકારના કોર્ટ પર
પ્રભુત્વ ધરાવનાર ખેલાડીઓ વિશ્વમાં ખૂબ જ ઓછા છે.
‘સિંગલ્સ’ માટે ટેનિસ-કોર્ટની લંબાઈ ૭૮ ફૂટ અને પહોળાઈ ૨૮ ફૂટ અને ‘ડબલ્સ’ માટે લંબાઈ ૭૮ ફૂટ અને પહોળાઈ ૩૬ ફૂટ
હોય છે. મેદાનની વચ્ચોવચ નેટ હોય છે, જે ટેનિસ કોર્ટને બે સરખા ભાગમાં
વહેંચી નાંખે છે. આમાંના દરેક ભાગને ફરીથી બે ભાગે જમણી બાજુ અને ડાબી બાજુ એમ સર્વિસ
માટે વિભાજિત કરવામાં આવતો હોય છે.
આજે સમગ્ર વિશ્વમાં ટેનિસની ઘણી
સ્પર્ધાઓ ભાઈઓ તેમ જ બહેનો માટે યોજાય છે; પરંતુ ૧૮૭૭માં ઇંગ્લેન્ડમાં લંડનના પરા-વિસ્તાર વિમ્બલ્ડનમાં જે સ્પર્ધા શરૂ થઈ તે ટેનિસ-જગતની જૂનામાં જૂની તેમ જ સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા ગણાય છે. ટેનિસમાં એમ તો ઘણી સ્પર્ધાઓ યોજાય છે; પરંતુ ઇંગ્લેન્ડમાં રમાતી ‘વિમ્બલ્ડન’, ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં રમાતી ‘ઑસ્ટ્રેલિયન ઓપન’, ફ્રાન્સમાં રમાતી ‘ફ્રેન્ચ ઓપન’ તથા અમેરિકામાં રમાતી ‘યુ.એસ.ઓપન’ને ટેનિસની ‘ગ્રાન્ડ સ્લેમ’ ટુર્નામેન્ટ્સ ગણવામાં આવે છે. આ ચારેય સ્પર્ધાઓ ક્રમાનુસાર દર વર્ષે
રમાય છે અને જો કોઈ ખેલાડી એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લૅમ સ્પર્ધાઓ જીતી જાય તો
તેને ‘ગ્રાન્ડ સ્લેમ ચૅમ્પિયન’ ગણવામાં આવે છે. અત્યારે તો ટેનિસનો સમાવેશ ઑલિમ્પિક્સ
રમતોત્સવમાં પણ કરવામાં આવ્યો છે. ‘ડેવિસ કપ’ પણ ટેનિસની વિશ્વકક્ષાની વિવિધ દેશો વચ્ચે રમાતી પ્રતિષ્ઠિત સ્પર્ધા
છે.
વિશ્વમાં રમાતી ટેનિસની સ્પર્ધાઓમાં
ખેલાડીઓ જે પ્રમાણે સિદ્ધિઓ મેળવે છે તે પ્રમાણે ઍસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ
દ્વારા ખેલાડીઓને વિશ્વક્રમાંક આપવામાં આવે છે, જેને ‘સિડિંગ’ કહેવામાં આવે છે. આ વિશ્વક્રમાંક દ્વારા ટેનિસ-જગતમાં ખેલાડીના સ્થાનની જાણ થાય છે; એટલું જ નહિ, તે પ્રમાણે તેઓને વિશ્વમાં પ્રતિષ્ઠા
પણ મળે છે અને તેથી જ દરેક ટેનિસ-ખેલાડી પોતાનો વિશ્વક્રમાંક સુધારવા માટે તનતોડ મહેનત કરે છે.
વિશ્વકક્ષાએ પુરુષોમાં ફ્રેડ પૅરી, રે એમર્સન, રોડ લેવર, જહૉન મૅકેનરો, બ્યોન બોર્ગ, જીમી કૉર્નસ, એન્ડી રોડીક, માઇકલ ચાંગ, બોરિસ બેકર, પૈટ્રિક રાફ્ટર, આન્દ્રે અગાસી, સ્ટીફન એડબર્ગ, પીટ સામ્પ્રેસ, રૉજર ફેડરર અને રફાલ નડાલ જાણીતા ખેલાડીઓ છે, જ્યારે મહિલાઓમાં માર્ગારેટ કોર્ટ, માર્ટિના
નવરાતિલોવા, સ્ટેફી સ્ટેફી ગ્રાફ, જેનિફર કેપ્રિઆતી, મોનિકા સેલેસ, મેરી પિયર્સ, માર્ટિના હિંગીસ, ક્રિસ એવર્ટ, ચૅબ્રિયેલા સાબાટીની, લિંડસે ડેવનપોર્ટ, મારિયા શારાપૉવા, એમિલ મોરેલ્મો, જસ્ટિન હેનિન હાર્ડિન, કિમ ક્લાઇસ્ટર્સ, સેરેના વિલિયમ્સ, વેનિસ વિલિયમ્સ ખૂબ જ જાણીતાં નામ છે. ભારતીય પુરુષ ખેલાડીઓમાં રામનાથન્
કૃષ્ણન્, રમેશ કૃષ્ણન્, વિજય અમૃતરાજ, પ્રેમજિત લાલ, જયદીપ મુખરજી, લિયેન્ડર પેસ, મહેશ ભૂપતિ વધારે જાણીતા ખેલાડીઓ છે. લિયેન્ડર પેસે તો ૧૯૯૬ની એટલાન્ટા
ઑલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક પણ જીત્યો હતો. એવી રીતે જ લિયેન્ડર પેસ અને મહેશ
ભૂપતિએ તો ગ્રાન્ડ સ્લૅમની ‘ડબલ્સ’નાં કેટલાંક ટાઇટલો પણ જીત્યાં છે. ભારતીય મહિલા ખેલાડીઓમાં અનુપમા માંકડ, સોનલ ફડકે અને સાનિયા મિર્ઝા મોખરે છે, જેમાંથી સૌથી વધુ નામના સાનિયા મિર્ઝાએ
મેળવી છે.
પ્રભુદયાલ શર્મા
READ ટિટોડી,Titodi
0 ટિપ્પણીઓ
Please do not share links in comment