ટોલ્સ્ટૉય (કાઉન્ટ) લિયો નિકોલાયવિચ (લેવ તોલ્સ્ટોય)
(જ. ૨૮ ઑગસ્ટ, ૧૮૨૮, યાસ્નાયા, પોલિયાના, તુલા, રશિયા; અ. ૭ નવેમ્બર, ૧૯૧૦, આસ્તાપોવો રેલવે-સ્ટેશન, રાયઝાન)
રશિયન નવલકથાકાર તથા નીતિશાસ્ત્ર અને ધર્મના
વિષયોને અનુલક્ષીને લેખનકાર્ય કરનાર વિશ્વવિખ્યાત મનીષી.
તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં. ટૉલ્સ્ટૉયે નાની ઉંમરે માતાપિતાનું અવસાન જોયું. ઘેર રહીને સગાંવહાલાંના સાન્નિધ્યમાં
ભણ્યા. કાઝાનની યુનિવર્સિટીમાં પૂર્વની ભાષાઓનો અભ્યાસ
કર્યો. યુનિવર્સિટી-શિક્ષણ સામે તેમણે મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા એટલે યુનિવર્સિટીમાંથી
તેમને રુખસદ મળી. ઉપાધિ મેળવ્યા વગર ૧૯ વર્ષની વયે પોતાની મિલકતની જાળવણી કરવા તેઓ
પાછા ફર્યા. પછીનું શિક્ષણ તેમણે જાતે જ લીધું. ‘અ લૅન્ડઓનર્સ મૉર્નિંગ' (૧૮૫૪) વાર્તામાં મિલકતની વ્યવસ્થા કરવી કેટલી અધરી છે તેનું બયાન છે. એમણે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું. ત્રેવીસ વર્ષની વયે, સૈનિક ભાઈ નિકોલાઈની પાસે લશ્કરમાં ભરતી થવા ચાલ્યા ગયા. વખત મળતો તો કંઈક સર્જન પણ કરી લેતા. ધ કન્ટેમ્પરરી' સામયિકમાં ‘ચાઇલ્ડહૂડ’ નામની પ્રથમ વાર્તા લખી.
ડૅન્યૂબના મોરચે બદલી થઈ એટલે ક્રિમિયન
વૉ૨માં સેવાસ્ટોપોલની લડાઈમાં રૂબરૂ હાજર રહ્યા. એમના હૃદયમાં યુદ્ધ વિશે નફરત હતી. લડાઈ પછી સેંટ પીટર્સબર્ગમાં સાહિત્યકારો અને ચિંતકોના સાન્નિધ્યમાં
થોડુંઘણું લખ્યું. છેવટે તેઓ તેમની યાસ્નાયા પોલિયાનાની જાગીરની દેખભાળ માટે પરત ફર્યા.
પશ્ચિમ યુરોપની શિક્ષણપ્રણાલિકાનો આંખે
દેખ્યો હાલ જોવા યુરોપમાં બે વાર ગયા. રશિયાની શિક્ષણપ્રથામાં તેમનું મન
ક્યારેય સ્થિર ન થઈ શક્યું. તેમણે પોતાના વતનમાં એક આદર્શ શાળા ખેડૂતોનાં સંતાનો માટે શરૂ કરી. અહીં પોતે ભણાવતા અને ચોપડીઓ લખતા. ભણાવવાની તેમની પદ્ધતિ પણ આગવી હતી.
૩૪ વર્ષની વયે ૧૮ વર્ષની સોફિયા બેર્સ (સોન્યા) નામની કન્યા સાથે લગ્ન કર્યું. પંદર વર્ષ સંસારનાં સુખ માણવામાં ડૂબી
ગયા. તેમને તેર
સંતાનો થયાં. આ દરમિયાન તેમણે ઉત્તમ નવલકથાઓ ‘વૉર ઍન્ડ પીસ’ (૧૮૬૩– ૧૮૬૯) અને ‘એના કેરેનિના' (૧૮૭૩–૧૮૭૬) લખી. ભૌતિક સુખની ટોચે પહોંચેલા ટૉલ્સ્ટૉય આધ્યાત્મિક રીતે સુખી ન હતા. સાચા સુખ અને શાંતિની ખોજ કરતાં તેઓ નૈતિક અને આધ્યાત્મિક પ્રશ્નોના
ચિંતનમાં ડૂબી ગયા અને તેના ફલ-સ્વરૂપે કેટલુંક મનનીય લખાણ તેમણે આપ્યું. 1
શાંતિની શોધ કરતાં ટૉલ્સ્ટૉય બાઇબલ અને
ઈશુ ખ્રિસ્ત પાસેથી ગુસ્સો ન કરવો, ઇન્દ્રિયથી મળતો આનંદ છેતરામણો છે, કદી સોગંદ ન લેવા, જે અસત્ હોય તેને દૂર રાખવું, અને ન્યાય અને અન્યાય કરનાર – બન્નેયનું હિત ઇચ્છવું આ પ્રકારનું
આચરણ શીખ્યા. પોતાની તમામ મિલકત પરિવારને લખી આપી તેમણે તેમના ઘરનો અને લખાણોમાંથી
મળતી આવકનો ત્યાગ કર્યો. -
ટૉલ્સ્ટૉય પોતે શાકાહારી બન્યા. બીડી અને દારૂ પીવાનું સદંતર છોડી દીધું. કપડાંમાં સાદગી આણી. પોતાના જોડા જાતે બનાવતા. પત્ની સાથેના શારીરિક સંબંધનો ત્યાગ
કર્યો. વ્યક્તિ અને રાષ્ટ્ર માટેની સુધારણાનાં પુસ્તકો લખ્યાં. તેમના અનુયાયીઓ બનેલા કેટલાક લોકો ‘ટૉલ્સ્ટૉયન કૉલૉનીઝ’ ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’માં સામૂહિક જીવનના પ્રયોગ માટે જોડાયા. સાચું સુખ આપનારો ઈશુ તો પ્રત્યેકના
હૃદયમાં બેઠો છે એવી તેમની સમજણ પાકી થતી હતી. આદર્શ જિંદગીની શોધમાં ટૉલ્સ્ટૉય આમતેમ
ઝાવાં મારતા રહ્યા. જોકે ૮૨ વર્ષની ઉંમરે કૃપાળુ ભગવાનને પામવા ઘર છોડીને નીકળી પડ્યા. ન્યુમોનિયાના હુમલાને કારણે રેલવેસ્ટેશનના વેઇટિંગ-રૂમમાં તેમનું મૃત્યુ થયું.
‘ચાઇલ્ડહૂડ’, ‘બૉયફૂડ ઍન્ડ યૂથ' ઉપરાંત ‘આ રેઇડ’, ‘ધ વૂડ ફેલિંગ’, ‘સેવાસ્ટોપોલ સ્કેચીઝ’ શરૂઆતનાં નોંધપાત્ર પુસ્તકો છે. ‘ધ સ્ટોરી ઑવ્ અ હોર્સ’, ‘ધ ટુ હુઝાર્સ’, ‘ધ કૉઝાસ’ પણ તેમનાં સર્જનો છે. જોકે સૌથી ચડિયાતાં સર્જનો તો છે ‘વૉર ઍન્ડ પીસ' તથા ‘એના કેરેનિના'. તેમનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. ‘ધ પાવર ઑવ્ ડાર્કનેસ’ તેમનું મરણોત્તર પ્રકાશન છે. આ ઉપરાંત ‘અ કન્ફેશન’, ‘વૉટ ધેન મસ્ટ વી ડુ ?’ ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ’, ‘આઇ કેન નૉટ બી સાયલન્ટ’, ‘વૉટ ઇઝ આર્ટ?’, ‘ટુ ઓલ્ડ મૅન’, ‘હાઉ મચ લૅન્ડ ડઝ એ મૅન નીડ?’, ‘મૂરખરાજ’ વગેરે અનેક સુંદર પુસ્તકો તેમણે આપ્યાં
છે.
ગાંધીજી પર તેમના લેખનની પ્રબળ અસર હતી. સાહિત્યજગતમાં આજે પણ ટૉલ્સ્ટૉયનું નામ આદરપૂર્વક લેવાય છે.
શુભ્રા દેસાઈ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment