તુલસી
હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી એક
વનસ્પતિ.
તુલસી ભારતમાં લગભગ બધે જ થાય છે. તેનો ટટ્ટાર, શાખાઓ ધરાવતો, રુવાંટીવાળો, ૩૦-૭૫ સેમી. ઊંચો છોડ હોય છે. તેનું થડ ચોરસ હોય છે. પાન સામસામે ગોઠવાયેલાં અને બંને સપાટીએ રુવાંટીવાળાં હોય છે. પાન મસળતાં બાષ્પશીલ તેલની સુવાસ આવે છે. ટોચ ઉપર માંજર આવેલી હોય છે; જે પુષ્પો અને ફળ ધરાવે છે.
તુલસીના બે પ્રકારો છે :
(૧) શ્રીતુલસી – તેનાં પાન લીલાં હોય છે અને તે પુષ્કળ પ્રમાણમાં મળી શકે છે.
(૨) કૃષ્ણ કે શ્યામ તુલસી – તેનાં પાન જાંબલી હોય છે,
તુલસીના તેલમાં જીવાણુઓ અને મચ્છર જેવા
કીટકોનો નાશ કરવાનો ગુણધર્મ છે. તે આયુર્વેદની દૃષ્ટિએ અનેક રોગોમાં અત્યંત ઉપયોગી છે. આળસ, સુસ્તી, અરુચિ, શરદી, કફ, ખાંસી, તાવ વગેરેમાં તુલસીની ચા આપવામાં આવે છે. બાળકોને ઊલટી અને ઝાડામાં તુલસીનાં બીજ
ગાયના દૂધ સાથે આપવામાં આવે છે. વીંછીનો ડંખ, ઉંદરનું ઝેર અને શીતળામાં તુલસીનો રસ ઉપયોગી જણાયો છે. તાવ ઉતારવા માટે, પરસેવો વળે તે માટે, પાચનશક્તિ માટે અને કૉલેરામાં તુલસી ખૂબ લાભદાયી છે. તેમાં રહેલા બાષ્પશીલ તેલને કારણે મલેરિયાના મચ્છરો છોડની આસપાસ ફરતા
નથી. તે વાતાવરણને શુદ્ધ કરતી વનસ્પતિ હોવાથી તેનો ઘરની આસપાસ વધારે
પ્રમાણમાં ઉછેર કરવો હિતાવહ છે.
આ વનસ્પતિ પવિત્ર ગણાતી હોવાથી તે
મંદિરોમાં ઉગાડવામાં આવે છે તેમ જ તેનો પૂજામાં પણ ઉપયોગ થાય છે. તેના પાનનો સલાડ તરીકે અને ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે
છે.
તુલસીને ‘વૃંદા’, ‘વિષ્ણુપ્રિયા’, ‘અમૃતા’, ‘પવિત્રા’ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવધર્મમાં તુલસીવિવાહનું ઘણું મહત્ત્વ છે. એ ઉત્સવ કારતક સુદ અગિયારસે ઊજવાય છે.
અમલા પરીખ
READ તુર્કી,Turkey
0 ટિપ્પણીઓ
Please do not share links in comment