તુર્કી પશ્ચિમ એશિયામાં આવેલું પ્રજાસત્તાક
રાષ્ટ્ર.
ભૌગોલિક સ્થાન :
તે ૩૬⁰
૦૦ ઉ. અ.થી ૪૦° ૨૦’ ઉ. અ. અને ૨૬⁰
૦૦ પૂ. રે.થી ૪૪⁰
૩૦’ પૂ. રે. વચ્ચેનો અંદાજે ૭,૮૦,૫૮૦ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.
તે એશિયન રાષ્ટ્ર હોવા છતાં તેનો ૫ % જેટલો પ્રદેશ દક્ષિણ યુરોપના છેક પૂર્વ છેડે આવેલો છે. બોસ્પરસની સામુદ્રધુનીથી યુરોપીય તુર્કી અને એશિયન તુર્કી અલગ પડે છે. વાયવ્યમાં તે બલ્ગેરિયા સાથે જોડાયેલું છે. પશ્ચિમે ગ્રીસ, ઈશાનમાં જ્યૉર્જિયા, પૂર્વમાં આર્મેનિયા, અઝરબૈજાન તથા ઈરાન અને દક્ષિણે સીરિયા તથા ઇરાક આવેલાં છે. તુર્કીની ઉત્તરે કાળો સમુદ્ર, પશ્ચિમે એજિયન સમુદ્ર અને દક્ષિણે
ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. ત્રણ જળમાર્ગો બોસ્પરસ (૩૨ કિમી.), મારમારા સમુદ્ર અને ડૉર્ડેનલ્સ (૬૪ કિમી.) તુર્કીના આનાતોલિયા પ્રદેશને મુખ્ય યુરોપીય ભૂમિ પર આવેલા તુર્કીના
પૂર્વ પ્રેસ પ્રદેશથી અલગ પાડે છે. તુર્કીની જમીનની સરહદો ૨૬૨૮ કિમી.ની છે, જ્યારે દરિયાઈ કિનારો ૭૧૬૮ કિમી.નો છે. તુર્કીની રાજધાની અંકારા છે.
પ્રાકૃતિક રચના પ્રમાણે તુર્કીને આઠ ભાગમાં વહેંચી શકાય :
(૧) ઉત્તરીય મેદાનોનો પ્રદેશ;
(૨) પશ્ચિમી ખીણનો પ્રદેશ;
(૩) દક્ષિણનો મેદાની પ્રદેશ;
(૪) પશ્ચિમનો ઉચ્ચપ્રદેશ;
(૫) પૂર્વનો ઉચ્ચપ્રદેશ;
(૬) ઉત્તરનો પર્વતીય પ્રદેશ;
(૭) દક્ષિણનો પર્વતીય પ્રદેશ અને
(૮) મેસોપોટેમિયાનો નીચાણવાળો પ્રદેશ.
તુર્કીનો સૌથી ઊંચો પર્વત અરારાત ૫૧૬૪ મી.ની ઊંચાઈ ધરાવે છે.
તુર્કીના જુદા જુદા પ્રદેશોની આબોહવા
વિવિધ પ્રકારની છે. થ્રેસ અને આનાતોલિયાના દક્ષિણ તેમ જ પશ્ચિમ કિનારાના પ્રદેશમાં
શિયાળો પ્રમાણમાં નરમ અને વરસાદવાળો હોય છે, જ્યારે ઉનાળો સૂકો અને ગરમ હોય છે. એજિયન કિનારાના પ્રદેશમાં ઉનાળો ગ૨મ હોય છે, જ્યારે કાળા સમુદ્ર વિસ્તારના
પ્રદેશમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એજિયન અને ભૂમધ્ય વિસ્તારના કિનારાના
પ્રદેશોમાં વાર્ષિક વરસાદ ૫૦૦ મિમી.થી ૭૫૦ મિમી. વચ્ચે પડે છે, જ્યારે કાળા સમુદ્રના કિનારાના પ્રદેશમાં વરસાદ ૨૫૦૦ મિમી.થી વધારે પડે છે. ઈશાન (ઉત્તર-પૂર્વ દિશા) તુર્કીમાં ઉનાળો નરમ હોય છે; પરંતુ શિયાળામાં ખૂબ ઠંડી પડે છે. અગ્નિ (પૂર્વદક્ષિણ) દિશામાં તુર્કી અને આનાતોલિયાના અંદરના પ્રદેશોમાં શિયાળામાં ભારે
હિમપાત થાય છે, જ્યારે ઉનાળાનું હવામાન તદ્દન સૂકું અને ગરમ હવાવાળું હોય છે.
પ્રાદેશિક વિવિધતાની અસર વનસ્પતિ પર
પડેલી જોવા મળે છે. દક્ષિણ કિનારાનો પ્રદેશ, એજિયન તેમ જ મારમારા સમુદ્રના પ્રદેશના
કેટલાક ભાગોમાં ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે;
જ્યારે આનાતોલિયા અને આર્મેનિયાના
ઉચ્ચપ્રદેશના અર્ધસૂકા વિસ્તારોની વનસ્પતિ સ્ટેપ પ્રદેશની વનસ્પતિ જેવી જોવા મળે
છે. પૂર્વ તૂર્કીમાં નાના છોડ, ટૂંકું ઘાસ અને કુંઠિત ઝાડી જોવા મળે
છે.
તુર્કીમાં જોવા મળતાં વન્ય પ્રાણીઓમાં
જંગલી બિલાડી, વરુ, રીંછ, શિયાળ, લોંકડી, હરણ, ચિત્તળ, જંગલી સૂવર વગેરે મુખ્ય છે. મોટાં પક્ષીઓમાં વિવિધ પ્રકારનાં ગીધ
જોવા મળે છે. ઉપરાંત તિલોર, તેતર અને લાંબી લાલ ચાંચવાળા બગલા પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.
ખેતી માટે તુર્કીનો કિનારાનો પ્રદેશ
સૌથી ફળદ્રૂપ છે. અહીં કપાસ, તમાકુ તથા વિવિધ પ્રકારનાં ફળો વગેરે સહિત રોકડિયા પાકનું; જ્યારે આનાતોલિયાના સૂકા ઉચ્ચપ્રદેશમાં કઠોળ, ઘઉં, જવ, મકાઈ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. વળી પશુપાલન પણ કરવામાં આવે છે અને ઊનનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં
થાય છે.
ઇસ્તંબુલ અને ઇઝમીર જેવાં શહેરોની નજીક
મોટાં કારખાનાં સ્થાપવામાં આવ્યાં છે. આ ઉપરાંત બીજાં મહત્ત્વનાં ઔદ્યોગિક
કેન્દ્રોમાં અંકારા, કુકુરોવા પ્રદેશ અને કાળા સમુદ્ર પર આવેલો ઝોંગુલ્ડાકનો વિસ્તાર છે. અહીં કોલસાની ખાણો તથા પોલાદનાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત ફળો તથા પીણાના ઉત્પાદનના ઉદ્યોગો પણ ચાલે છે. વળી કાપડ, રાસાયણિક ખાતર વગેરેનું ઉત્પાદન પણ ઠીકઠીક પ્રમાણમાં થાય છે.
તુર્કી પાસે સારા પ્રમાણમાં
ખનિજસંપત્તિ છે. અહીં લિગ્નાઇટ, કોલસો, ક્રોમાઇટ, ઉપરાંત બૉક્સાઇટ, તાંબું, લોખંડ વગેરેનું ઉત્પાદન થાય છે. તેલ-શુદ્ધીકરણનાં કારખાનાં સ્થપાયાં હોવાથી
પેટ્રોલિયમની પેદાશ વધી છે. ઇસ્તંબુલ અને ઇઝમીર તુર્કીનાં મુખ્ય બંદરો છે.
૭,૩૭,૨૨,૯૮૮ (૨૦૧૦) જેટલી વસ્તી ધરાવતા તુર્કીના
પ્રજાસત્તાક રાજ્યમાં ૮૫ % જેટલા લોકો એશિયન તુર્ક જાતિના છે. કુર્દ પ્રજા તુર્કીની લઘુમતીઓમાં સૌથી
વધુ સંખ્યામાં છે. આ ઉપરાંત આરબ અને અન્ય જાતિના લોકો પણ વસે છે. ૯૦%થી પણ વધારે લોકો તુર્કી ભાષા બોલે છે. અરબી, ગ્રીક અને કુર્દ જેવી અન્ય ભાષાઓ પણ બોલાય છે.
તુર્કીનો કોઈ રાજ્યધર્મ નથી; પરંતુ ૯૨.૨ % જેટલા લોકો સુન્ની મુસ્લિમ છે. બંધારણ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો
અધિકાર આપવામાં આવ્યો છે. થોડાક લોકો વિવિધ ખ્રિસ્તી સંપ્રદાયોના
અનુયાયીઓ છે.
ગામડાંમાં ઘરો માટીનાં હોય છે. જરૂરિયાત સિવાયનો વધારાનો સામાન તેઓ વસાવતા નથી; પરંતુ રંગબેરંગી તુર્કી ગાલીચા ઘરને
શોભાવે છે. દરેક ગામડામાં બે-ત્રણ પથ્થરનાં ઘરો પણ હોય છે; જેમાં ત્યાંના અમીર લોકો રહે છે. કુસ્તી તુર્કીની મનગમતી રમત છે. ફૂટબૉલ પણ લોકપ્રિય છે. માંસ તુર્કી લોકોનો મુખ્ય ખોરાક છે. તેમાંયે શીશ કબાબ ખૂબ લોકપ્રિય વાનગી
છે. તે ઉપરાંત પુલાવ, ડોનર-કબાબ (Doner-Kabab), હલવો, બકાલાવા પણ અહીંની મનગમતી વાનગીઓ છે. તુર્કી કૉફી પણ પ્રખ્યાત છે. જોકે અહીં ચા ખૂબ પિવાય છે.
ઉચ્ચ શિક્ષણ માટે સ તુર્કીમાં ૨૫
જેટલાં વિશ્વવિદ્યાલયો છે. ૧૪૫૩માં સ્થપાયેલું ઇસ્તંબુલનું વિશ્વવિદ્યાલય સૌથી જૂનું અને મોટું
છે. તુર્કી તેનાં ઇસ્તંબલ અને અંકારાનાં સમૃદ્ધ સંગ્રહસ્થાનો માટે પ્રખ્યાત છે. અંકારામાં ૬૦,૦૦,૦૦૦ ગ્રંથો ધરાવતું પુસ્તકાલય છે. તુર્કીનું સૌથી મોટું સાંસ્કૃતિક
પ્રદાન સ્થાપત્યકળામાં છે. ઇસ્તંબુલમાં ઈ. સ. ૫૦૦ની આસપાસ બંધાવેલું હેજિયા સોફિયાનું દેવળ બાઇઝેન્ટાઇન
સ્થાપત્યકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. તેરમી સદી દરમિયાન આનાતોલિયાના પ્રદેશમાં ઈરાની અને અરબી
સ્થાપત્યશૈલીની સુંદર મસ્જિદો બાંધવામાં આવી હતી. ઇસ્તંબુલમાં બંધાયેલી સુલેમાન-૧ની મસ્જિદ દુનિયાની સુંદર મસ્જિદોમાંની એક ગણાય છે. સેંકડો વર્ષોથી તુર્કી તેના સિરેમિક હસ્તઉદ્યોગ માટે પ્રખ્યાત છે. અહીં સુંદર તાસક, કટોરા વગેરે બનાવવામાં આવે છે. ઘણાં મહેલો અને મસ્જિદોને શણગારવા માટે
રંગીન સિરેમિક ટાઇલ્સ ઉપરાંત સોનું અને વિવિધ રંગીન કાચના ટુકડા જેવા ટાઇલ્સનો
ઉપયોગ કરવામાં આવતો હતો. તુર્કી વણકરો તેમના ધાબળા, ગાલીચા, શાલ તેમ જ ટુવાલના ઉત્પાદન માટે જાણીતા
છે.
ઈતિહાસ :
ઈ. સ. પૂ. ૨૦૦૦ના અરસામાં હિટ્ટાઇટ લોકો તુર્કીના
મધ્ય આનાતોલિયામાં આવીને વસ્યા. ઈ. સ. પૂ. ૧૨૦૦થી ઈ. સ. પૂ. ૫૦૦ દરમિયાન ફીજિયન, લિડિયન વગેરે લોકોએ આનાતોલિયા કબજે કર્યું. મેસિડોનિયાના રાજા ઍલેક્ઝાન્ડરે ઈ. સ. પૂ. ૩૩૧માં આ પ્રદેશ જીતી લીધો. ઈ. સ. પૂ. ૬૩થી ૪૦૦ વર્ષ સુધી રોમન સામ્રાજ્ય
હેઠળ આનાતોલિયામાં શાંતિ જળવાઈ હતી.
ઈ. સ. ૩૩૦માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેનું
પાટનગર રોમથી ખસેડીને થ્રેસમાં આવેલા બિઝેન્ટિયમના પ્રાચીન નગરમાં રાખીને તેને ‘કૉન્સ્ટેન્ટિનોપલ’ નામ આપ્યું.
૧૧મી સદીમાં સેલ્જક તુર્ક લોકોએ આનાતોલિયા જીતી, ત્યાં ઇસ્લામ ધર્મ તથા તુર્કી ભાષાનો ફેલાવો કર્યો. ઈ. સ. ૧૪૫૩માં ઑટોમન તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી, તેને ‘ઇસ્તંબુલ' નામ આપીને સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું. ૧૬મી સદીમાં ઑટોમન સામ્રાજ્ય તેની ટોચે પહોંચ્યું. ૧૯મી સદીમાં તેણે ઘણા પ્રદેશો ગુમાવ્યા અને ‘યુરોપના માંદા માણસ' તરીકે ઓળખાયું. ૧૯૦૮માં ‘યુનાતુર્કો’એ સુલતાન સામે લશ્કરી બળવો કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ૧૯૧૪–૧૯૧૮ના અંત સમયે ઑટોમન સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું હતું. એપ્રિલ, ૧૯૨૦માં લશ્કરી અધિકારી મુસ્તફા કમાલ પાશાએ તુર્કીમાં રાષ્ટ્રીય સરકાર સ્થાપી અને તે તેનો પ્રમુખ ચૂંટાયો. તેણે તુર્કીને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું અને સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક સુધારા કર્યા. દ્વિતીય વિશ્વયુદ્ધમાં તટસ્થ રહ્યા પછી તુર્કી પશ્ચિમના દેશો સાથે લશ્કરી કરારમાં જોડાયું.
૧૯૮૨ના નવા બંધારણ મુજબ ૧૯૮૩માં થયેલ
ચૂંટણીઓ બાદ તુર્ગુટ ઓઝલ વડાપ્રધાન બન્યા. ૧૯૮૯માં તે દેશના પ્રમુખ ચૂંટાયા. એપ્રિલ, ૨૦૦૧માં બેકારી તથા ભાવવધારા સામે લોકોએ દેખાવો કર્યા. માર્ચ, ૨૦૦૩માં તુર્કીની પાર્લમેન્ટે અમેરિકાના લશ્કરને ઇરાક પર હુમલો કરવા
માટે તુર્કીનાં મથકો વાપરવા દેવાનો ઇનકાર કર્યો અને તેની ૧૫ અબજ ડૉલરની મદદ જતી
કરી. યુરોપીય સંઘમાં પ્રવેશ મેળવવાના તુર્કીના પ્રયાસો ૨૦૦૫માં ચાલુ રહ્યા. તુર્કીનાં પ્રવાસન-સ્થળો ૫૨ કુર્દશ અલગતાવાદીઓના આત્મઘાતી બૉમ્બના હુમલા ૨૦૦૫માં ચાલુ
રહ્યા. તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. ઑક્ટોબર, ૨૦૦૬માં તુર્કીના વડાપ્રધાન એર્દોગેન યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ
બુશને વૉશિંગ્ટનમાં મળ્યા હતા. ૨૦૦૭માં અબ્દુલ્લાગુલને તુર્કીની સંસદે પ્રમુખ ચૂંટ્યા હતા. ૨૦૦૯માં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ બરાક ઓબામાએ તુર્કીની મુલાકાત
લીધી હતી અને તુર્કીની યુરોપીય સંઘમાં જોડાવાની ઇચ્છાને પોતાનો ટેકો જાહેર કર્યો
હતો. વિશ્વમાં વ્યાપેલી મંદીની અસરો તુર્કીમાં પણ જણાઈ હતી.
READ તારાબહેન મોડક,Tarabehan Modak
0 ટિપ્પણીઓ
Please do not share links in comment