તારાબહેન મોડક
(જ. ૧૯
એપ્રિલ ૧૮૯૨, મુંબઈ; અ. ૩૧ ઑગસ્ટ ૧૯૭૩, કોસવાડ, મહારાષ્ટ્ર)
બાળકેળવણીનાં પ્રણેતા, બાળસાહિત્યકાર અને ગિજુભાઈનાં સાથી.
પિતાનું
નામ સદાશિવરામ અને માતા ઉમાબાઈ. માતાપિતા બંને પ્રાર્થનાસમાજમાં માનતાં હતાં. તેઓ
સેવાભાવી હતાં. તેમનું બાળપણ ઇન્દોરમાં વીતેલું. તેઓ ૧૯૦૯માં મૅટ્રિક થયાં.
મુંબઈની વિલ્સન કૉલેજમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે ૧૯૧૪માં બી.એ. થયાં. એ જ વર્ષે
તેમનાં લગ્ન કૃષ્ણરાવ મોડક સાથે થયાં. ૧૯૫૨માં તેમણે પુત્રી પ્રભાને અને ૧૯૫૩માં
પતિને ગુમાવ્યાં.
પ્રારંભમાં
સરકારી કન્યાશાળામાં તેઓ જોડાયાં હતાં. ૧૯૨૧માં ભાવનગરની ‘બાર્ટન ટ્રેનિંગ કૉલેજ
ફૉર ફીમેલ’માં આચાર્યા થયાં. પુત્રી પ્રભાના શિક્ષણ સંદર્ભે તેઓ ગિજુભાઈને મળ્યાં
અને મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિનો પરિચય થતાં, આચાર્યાની નોકરી છોડી,
‘દક્ષિણામૂર્તિ’માં ઓછા પગારની નોકરી સ્વીકારી અને બાળકેળવણીના કાર્યમાં જોડાયાં
૧૯૨૫-૨૬માં ગિજુભાઈ સાથે અધ્યાપનમંદિર શરૂ કર્યું અને તેનાં ગૃહમાતા બન્યાં.
‘શિક્ષણ-પત્રિકા' નામનું માસિક શરૂ કર્યું. તેમણે ‘દક્ષિણામૂર્તિ’ ત્રૈમાસિકનું
સંપાદન પણ કરેલું. નૂતન શિક્ષણ સંઘનાં તેઓ સહમંત્રી હતાં. તારાબહેનની મદદ અને
તેમના સહકારથી જ ગિજુભાઈ બાળકેળવણીના ક્ષેત્રે
ઘણુંબધું મહત્ત્વનું કાર્ય કરી શક્યા.
તારાબહેન
પાછળથી મુંબઈમાં સ્થિર થયાં અને ૧૯૩૬થી ૧૯૪૮ સુધી તેમણે દાદર ખાતે ‘શિશુવિહાર’
નામની સંસ્થાનું સંચાલન કર્યું. ગિજુભાઈના અવસાન બાદ નૂતન શિક્ષણ સંઘનું સુકાનીપદ
પણ તેમણે સંભાળ્યું હતું.
૧૯૪૫માં
તારાબહેન ગાંધીજીને મળ્યાં અને મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિનો ગાંધીજીને પ્રયોગ દ્વારા
પરિચય કરાવ્યો, ત્યારે ગાંધીજીએ એટલી જ ટકોર કરી કે ‘આવું કાર્ય તમે આદિવાસી બાળકો
માટે ન કરી શકો ?’ ને તે ટકોરથી પ્રેરાઈને તેઓ બોરડી ગયાં. ત્યાં આંગણવાડીનું કામ
શરૂ કર્યું. ગરીબોનાં બાળકોની કેળવણીનું કાર્ય કરતાં કરતાં તેઓ આ બાળકોનાં જાણે
મૅડમ મૉન્ટેસોરી બની રહ્યાં ! તેમના ભગીરથ પ્રયત્નો બાદ ભારતનાં અનેક રાજ્યોમાં
બાળમંદિરો સ્થપાયાં. આંગણવાડીના અનુભવને આધારે તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક
યોજના ભારત સરકાર પાસે રજૂ કરાવી. ‘વિકાસવાડી’ની આ યોજના ૧૯૫૭માં મંજૂર થઈ. આ પછી
બોડીને બદલે આદિવાસી વિસ્તારની કોસવાડની ટેકરી પર તેઓ ગયાં અને ત્યાં કેળવણીનું
કાર્ય કર્યું. કોસવાડની એ ટેકરી પરની સંસ્થામાં અત્યારે ઘોડિયાઘર, બાલવાડી,
કૃષિશાળા, પૂર્વપ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, રાત્રિશાળા, ઉદ્યોગશાળા, પ્રશિક્ષણ
વિદ્યાલય વગેરે નાની-મોટી અનેક સંસ્થાઓ ચાલે છે.
ઈ. સ.
૧૯૩૯માં મૅડમ મૉન્ટેસોરી ભારત આવ્યાં અને તારાબહેનના કાર્યથી તેઓ ખૂબ પ્રસન્ન પણ
થયાં.
‘આપણું ઘર’, ‘બિચારાં બાળકો’, ‘બાળકોના ‘બાળવિકાસ અને શિસ્ત' વગેરે તેમનાં મહત્ત્વનાં પુસ્તકો છે. ગિજુભાઈ સાથે મળીને તેમણે ‘પાઠપોથી ગ્રંથમાળા’, ‘પશુપંખી ગ્રંથમાળા’, ‘જ્ઞાનવર્ધક ગ્રંથમાળા’, ‘જીવનપરિચય ગ્રંથમાળા’, ‘કથાનાટ્ય ગ્રંથમાળા' જેવી અનેક ગ્રંથમાળાઓ આપી છે. ‘બાળકોનાં રમકડાં’, ‘મંગેશનો પોપટ', ‘છાણાં થાપી આવ્યાં’, ‘ગિરિશિખરી’, ‘બાળકની માંગણી અને હક’, ‘ઘરમાં મૉન્ટેસોરી’ વગેરે તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. કેન્દ્ર સરકારે તેમનાં બે અંગ્રેજી પુસ્તકો ‘બાલવાડી : રુરલ એરિયા’ અને ‘ધ મેડો સ્કૂલ' પ્રકટ કર્યાં છે.
૧૯૭૯માં ઇન્ડિયન કાઉન્સિલ ફૉર એજયુકેશનલ
ડેવલપમેન્ટ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેમના શિક્ષણકાર્યને બિરદાવતું ‘ગ્રોઇંગ
ઍટ કોસબાડ હિલ' નામે પુસ્તક પ્રકટ કર્યું હતું, તેમના બાળકેળવણી અંગેના આ કાર્યને
લીધે તેઓ ‘ભારતનાં માદામ મૉન્ટેસોરી'નું બિરુદ પામ્યાં અને આ જ કાર્યને કારણે
૧૯૬૨માં તેમને ‘પદ્મભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યાં. એ જ વર્ષે મહારાષ્ટ્ર સરકારે
પણ એક લાખ રૂપિયાની થેલી તેમને અર્પણ કરી તેમનું બહુમાન કરેલું. બાળકેળવણીના
ક્ષેત્રે, ગિજુભાઈની વિચારસરણીને પ્રત્યક્ષ પ્રયોગની ભૂમિકા પર મૂકનાર તરીકે
તેમનું નામ સ્મરણીય છે.
READ તાડ (Palm)
0 ટિપ્પણીઓ
Please do not share links in comment