તાડ (Palm) એકદળી
વર્ગની તાડકુળની વનસ્પતિ.
તે સૂકા
વાતાવરણમાં વિશેષ ઊગે છે. તેનું વૃક્ષ ૧૦થી ૨૦ મી. ઊંચું હોય છે. તેને ડાળીઓ હોતી
નથી. તેનું થડ કાળા રંગનું હોય છે. તેની ટોચ ઉપ૨ ૩૦થી ૪૦ પાનનું બનેલું છત્ર હોય
છે. તેનાં પાન ૧.૦થી ૧.૫ મી. લાંબાં અને પંખાકાર હોય છે. તાડમાં નર અને માદા
વૃક્ષો જુદાં જુદાં હોય છે. માદા વૃક્ષનાં પાકાં ફળ(તાડગુલ્લાં)માં બેથી ત્રણ બીજ
હોય છે. તેનાં બીજને ગલેલી કે તાડફળી કહે છે. કુમળી ગલેલી પારદર્શક સફેદ તથા નરમ
જેલી જેવી હોય છે અને અંદર સ્વાદિષ્ટ, મીઠું અને પોષક પાણી ધરાવે છે. તેનો ખાવામાં
ઉપયોગ થાય છે.
તાડના
થડમાંથી રસ કાઢવામાં આવે છે. તેને ‘નીરો’ કહે છે. તે મીઠું, સ્વાદિષ્ટ, સુગંધિત
અને ખૂબ પૌષ્ટિક પીણું છે. તે શર્કરા અને યીસ્ટનું સારું એવું પ્રમાણ ધરાવે છે.
યીસ્ટ વિટામિન ‘બી’ સંકુલનો સ્રોત છે. સૂર્યનાં કિરણો નીરોના રસમાં પડતાં પહેલાં
તે સ્વાસ્થ્યપ્રદ ઔષધ તરીકે સ્ફૂર્તિદાયક પીણું છે. તેનું પાન કફ થતો અટકાવે છે.
સૂર્યનાં કિરણોથી આથો ચઢેલો નીરો તાડી તરીકે ઓળખાય છે. વધારે આથો ચડેલી તાડી
આરોગ્ય માટે નુકસાનકારક થાય છે. અંકુરણ પામતા બીજનું (બીજ)પત્ર સ્ટાર્ચયુક્ત
હોવાથી તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.
તેનું થડ
ઘરના બાંધકામમાં થાંભલા, ટેકા અને વળા તરીકે તથા પાન છાપરાં ઢાંકવા તેમ જ સાવરણા,
પંખા, સાદડી, ટોપલા વગેરે બનાવવામાં કામ લાગે છે. પાનનો લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે. તાડમાંથી નીકળતા રેસાઓ દોરડાં
તથા ગૃહશણગારની વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. તેના થડનાં ઊભાં બે અડધિયાં ખેતીમાં
પાણીની વહેંચણીમાં કામ આવે છે. આમ, તાડના ઘણા ઉપયોગો હોવાથી તેને કલ્પવૃક્ષ
ગણવામાં આવે છે.
તાડના
કુળની વિશ્વમાં ૨૭૮૦ જેટલી જાતિઓ થાય છે. પ્રત્યેક જાતિની આગવી વિશિષ્ટતા છે.
કેટલીક જાતિના થડનું કદ પેન્સિલ જેટલું, તો અન્ય કેટલીક જાતિઓ ૬૦ મી. જેટલી ઊંચી
હોય છે અને ૧ મી. જેટલો વ્યાસ ધરાવે છે. કેટલીક જાતિઓ બાગમાં શોભાની વનસ્પતિ
તરીકે, તો કેટલીક ફળ અથવા રસ માટે ઉછેરવામાં આવે છે. કેટલીક જાણીતી તાડની જાતિઓમાં
બૉટલ પામ, સોપારી, શિવજટા, પંખાતાડ, ખજૂરી, નાળિયેરી, રાવણતાડ વગેરેનો સમાવેશ થાય
છે. નેતર વેલા-સ્વરૂપ ધરાવતું તાડ છે.
READ તાઇવાન,Taiwan
0 ટિપ્પણીઓ
Please do not share links in comment