દક્ષિણામૂર્તિ
ગુજરાતનાં બાળકોને કેળવણી આપવાના
હેતુથી શરૂ થયેલ હરગોવિંદદાસ પંડ્યા સ્થાપિત અને નાનાભાઈ ભટ્ટ સંચાલિત ભાવનગરની
પહેલી પ્રાયોગિક શિક્ષણ-સંસ્થા.
બાળકેળવણીકાર ગિજુભાઈના મામા હરગોવિંદદાસને બધાં ‘મોટાભાઈ’ કહેતાં હતાં. તેમણે ભાવનગરમાં પોતાના બંગલામાં તા. ૨૮ ડિસેમ્બર, ૧૯૧૦ના રોજ ‘દક્ષિણામૂર્તિ વિદ્યાભવન'ની શરૂઆત કરી હતી. આ છાત્રાલયમાં ભટ્ટ (નૃસિંહપ્રસાદ ભટ્ટ) ૧૯૧૩માં પૂર્ણ સમયના સંચાલક તરીકે જોડાયા. પછી તો આ સંસ્થા માત્ર છાત્રાલય ન રહેતાં શિક્ષણસંસ્થા બની રહી. મૂળ તો આ સંસ્થા શ્રીમન્નથુરામ શર્માની પ્રેરણાથી ધર્મશિક્ષણના આદર્શ ઉપર રચાયેલી. ‘દક્ષિણામૂર્તિ’ – એ ભગવાન શંકરના એક સ્વરૂપને દર્શાવતું નામ છે. શ્રીમન્નથુરામના તે ઉપાસ્ય દેવ હતા. તેના પરથી આ સંસ્થાનું ‘દક્ષિણામૂર્તિ’ નામ રાખવામાં આવ્યું. સ્વાશ્રય, સ્વતંત્રતા, દેશપ્રેમ વગેરે ગુણો ખીલવવા પર આ સંસ્થાએ ભાર મુક્યો, ગુજરાતની કેળવણીના ઇતિહાસમાં આ સંસ્થાનો ફાળો મૂલ્યવાન છે.
સાચા શિક્ષણનું કાર્ય કરી રહેલ મોટાભાઈ અને નાનાભાઈએ ગિજુભાઈને
બોલાવ્યા. ઈ. સ. ૧૯૧૫માં ગિજુભાઈ કાયદાના સલાહકાર તરીકે ત્યાં જોડાયા. ત્યારબાદ વકીલાત છોડી શિક્ષક બન્યા. તેમનામાં રહેલ સાચા શિક્ષકનો આત્મા
જાગ્રત થયો. પુત્ર નરેન્દ્રની કેળવણી નિમિત્તે ગિજુભાઈએ મૉન્ટેસોરી પદ્ધતિની
બાળકેળવણી વિશે વાંચ્યું હતું. તેઓ એ સમજી શક્યા હતા કે બાલ્યાવસ્થામાં પડેલ સંસ્કાર જીવનભર ટકે છે. નાનાં બાળકોને ઘડવાનું મહત્ત્વ એમને સમજાયું હતું. આથી તેમને બાળમંદિર શરૂ કરવું જરૂરી લાગ્યું. સંચાલકો સમક્ષ તેમણે પ્રસ્તાવ મૂક્યો, જે સ્વીકારાયો. પરિણામે ૧૯૨૦માં બાળમંદિરનો પ્રારંભ થયો. પછી તો ‘દક્ષિણામૂર્તિ’ના નિમિત્તે બાળકેળવણીના પ્રયોગો થતા
રહ્યા. ફ્રૉબેલ, મૉન્ટેસોરી અને નીલની વિચારણાઓના પ્રકાશમાં ગિજુભાઈની કેળવણીની વિચારધારાને
એક ચોક્કસ દિશા મળી અને ‘દક્ષિણામૂર્તિ’ તેનું કાર્યક્ષેત્ર બન્યું. એ રીતે ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થાએ ગિજુભાઈને તેમના શિક્ષણ અને
સાહિત્યની ભાવનાને સાકાર કરવા માટે મોકળું મેદાન પૂરું પાડ્યું.
પ્રકાશનવિભાગ પણ આ સંસ્થાનો પોતાનો હતો. તેણે ગુજરાતને કીમતી બાળસાહિત્ય આપ્યું. ‘દક્ષિણામૂર્તિ’માં બાળવિભાગ ગિજુભાઈ સંભાળતા અને નાનાભાઈ કિશોરોનું ધ્યાન રાખતા. આ સંસ્થા દ્વારા નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર મો. ભટ્ટ, ગિજુભાઈ, જુગતરામ દવે, હરભાઈ ત્રિવેદી જેવા અનેક કેળવણીકારોએ કેળવણીક્ષેત્રે મૂલ્યવાન
પ્રદાન કર્યું છે.
બાળકોમાં સ્વયંસ્ફુરણાની શક્તિ તેમ જ
નિર્ભયતા જેવા સદ્ગુણો કેળવાય એ બાબત ગિજુભાઈના શિક્ષણ-સિદ્ધાન્તના પાયામાં હતી. તેમણે ‘દક્ષિણામૂર્તિ’ નિમિત્તે તારાબહેનના સહકારથી બાળકોને સારી રીતે જીવતાં શીખવે, જ્ઞાન આપે, આનંદ આપે અને તે સાથે યોગ્ય દિશામાં તેમને વાળી શકે તેવું સાહિત્ય
પ્રકાશિત કર્યું છે. ‘દક્ષિણામૂર્તિ’ના નેજા હેઠળ ગિજુભાઈએ બાળકો ઉપરાંત તેમના વડીલો અને શિક્ષકો માટે પણ
કેટલુંક ઉપયોગી સાહિત્ય રચ્યું છે. વળી તારાબહેન મોડક, મોંઘીબહેન, રામનારાયણ ના. પાઠક, હેમુભાઈ રાજગોર, સોમાભાઈ ભાવસાર, વજુભાઈ દવે, મૂળજીભાઈ ભક્ત વગેરે પાસે પણ તેમણે બાળોપયોગી સાહિત્ય લખાવ્યું.
નાનાભાઈ ભટ્ટ ‘દક્ષિણામૂર્તિ’એ દોઢસો જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો
પ્રકાશિત કર્યાં આમાં સાતથી દસ વર્ષનાં બાળકો માટેનાં ૧૦૫ અને અગિયારથી ચૌદ
વર્ષનાં બાળકો માટેનાં લગભગ ચોત્રીસ પુસ્તકોનો સમાવેશ થાય છે. આમાં ૮૦ જેટલી પુસ્તિકાઓ તો ‘બાળસાહિત્યમાળા’ની જ છે, જે દસ ગ્રંથમાળાઓ રૂપે હાલ પુનર્મુદ્રણ પામી છે. આ ગ્રંથમાળાઓમાં સંપાદક તરીકે અને મોટા
ભાગે લેખક તરીકે ગિજુભાઈ અને તારાબહેનનું કાર્ય વધુ નજરે પડે છે. ‘પાઠપોથી ગ્રંથમાળા’, ‘પશુપક્ષી ગ્રંથમાળા’, ‘અવલોકન ગ્રંથમાળા’, ‘જીવનપરિચય ગ્રંથમાળા’, ‘ગાતી ગ્રંથમાળા’, ‘જ્ઞાનવર્ધક ગ્રંથમાળા' વગેરે ગ્રંથમાળાઓ બાળમાનસનું ઘડતર કરવા ઉપરાંત બાળકની ભાષાષ્ટિએ પણ
કેળવણી અને તેનું મનોરંજન પણ કરે છે. ‘જુગતરામના પાઠો', ‘કમળાબહેનના પાઠો’, ‘મોટા પાઠો’ વગેરે દ્વારા પણ બાળમાનસઘડતરનું કાર્ય થયું છે.
ગિજુભાઈ અને તેમના સહકાર્યકરોએ ‘દક્ષિણામૂર્તિ’ના વિપુલ સાહિત્યસર્જન દ્વારા વાસ્તવજગત સાથે બાળકને રસપૂર્વક – આનંદપૂર્વક જોડવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. ઈ. સ. ૧૯૨૦થી ૧૯૪૦ સુધીના દક્ષિણામૂર્તિના
સાહિત્ય-પ્રકાશનને કારણે તે સમયગાળો ગુજરાતી બાળસાહિત્યમાં સુવર્ણકાળ તરીકે
ઓળખાયો છે.
READ થોમસ આલ્વા એડિસન,Thomas Alva Edison
0 ટિપ્પણીઓ
Please do not share links in comment