થોમસ આલ્વા એડિસન
(જ. ૧૧ ફેબ્રુઆરી ૧૮૪૭, મિલાન, ઓહાયો, યુ.એસ.; અ. ૧૮ ઑક્ટોબર ૧૯૩૧, વેસ્ટ ઑરેન્જ ન્યૂ જર્સી, યુ.એસ.)
વિજ્ઞાનના અગ્રણી અમેરિકન સંશોધક.
થૉમસ આલ્વા એડિસન
તેઓ સૅમ્યુઅલ ઑઝન અને નાન્સી ઇલિયટ એડિસનનાં ચાર બાળકોમાંથી સૌથી નાના હતા. સાત વર્ષની ઉંમરે તેમનું શાળા-શિક્ષણ શરૂ થયું, પણ ત્રણ માસ પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી મૂક્યા ! આ પછીનાં ત્રણ વર્ષ તેમની માતાએ જ તેમને ઘરે ભણાવ્યા. ભૌતિકશાસ્ત્રમાં તેમને એટલો રસ પડ્યો કે દસ વર્ષની જ ઉંમરે તેમણે ઘરમાં પ્રયોગશાળા બનાવીને સ્વરચિત ટેલિગ્રાફ-સેટ ચાલુ કર્યો.
આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ૧૨
વર્ષની ઉંમરે રેલવેમાં છાપાં અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કરેલું. કમાણીનો ઉપયોગ પ્રયોગશાળા માટેનાં સાધનો અને પુસ્તકો ખરીદવામાં થતો. એક અકસ્માતમાં તેમને કાનની બહેરાશ આવી. ૧૫ વર્ષની ઉંમરે તેઓ ટેલિગ્રાફ ઑફિસમાં
જોડાયા. સ્વતઃચાલિત ટેલિગ્રાફ માટેનાં ટ્રાન્સમીટર અને
રિસીવર તેમની પહેલી શોધ હતી. શૅરબજારના ભાવતાલ છાપવા માટેનું યાંત્રિક સાધન તેમની નોંધપાત્ર શોધ
ગણાય. તે માટે તેમને ૪૦,૦૦૦ ડૉલર મળ્યા હતા. આ રકમમાંથી તેમણે પ્રયોગશાળા સાથેનું નાનું કારખાનું સ્થાપ્યું. પછીથી આ પ્રયોગશાળા મેન્લો પાર્ક, ન્યૂ જર્સીમાં ખસેડવામાં આવી. આ પ્રયોગશાળા હેન્રી ફૉર્ડ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવી છે. અવલોકનશક્તિ અને ક્ષતિગ્રસ્ત ઉપકરણોને સુધારવાની વિશિષ્ટ આવડતને
કારણે તે સહકાર્યકર્તાઓમાં ઘણા પ્રિય બનેલા. તેમની પ્રયોગશાળામાં મદદ માટે ઇજનેરો
અને ભૌતિકશાસ્ત્રના જાણકારોને નોકરીએ રાખવામાં અસાધારણ આવતા હતા.
વિલિયમ વૉલેસે રચેલ ૫૦૦ કૅન્ડલ પાવરના
ઝગમગતા આઠ દીવાની શ્રેણી જોઈ તેમણે વીજળીના દીવાની શોધ પાછળ ધ્યાન કેન્દ્રિત
કર્યું. કાચના ગોળામાં પ્રથમ પ્લૅટિનમ તારમાંથી વીજળી પસાર કરીને પ્રકાશ
મેળવ્યો. ઘણા પ્રયોગના અંતે સેલ્યુલોઝના તારને કાર્બનાઇઝ્ડ કરવાથી મળતા કાર્બન-તંતુ(filament)નો ઉપયોગ કરીને ઑક્ટોબર, ૧૮૭૯ના રોજ તેમણે વીજળીના દીવાનું
સૌપ્રથમ નિદર્શન કર્યું. આ દીવો ૪૦ કલાક પ્રકાશ આપી શક્યો. ૧૮૮૨માં એડિસને વરાળથી ચાલતા ૯૦૦
હોર્સપાવરના જનરેટરની મદદથી ૭,૨૦૦ દીવાઓને ઝળહળતા કર્યા. આ માટે એડિસન ઇલેક્ટ્રિક લાઇટ કંપનીની
સ્થાપના કરવામાં આવેલી, જેને ૧૮૯૨માં જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં સમાવી લેવામાં આવી. આ પ્રયોગો દરમિયાન ગરમ તંતુમાંથી ધાતુના તાર તરફ વહેતા વીજળીના
પ્રવાહની નોંધ એડિસને લીધી છે. આ ઘટના ‘એડિસન અસર’ તરીકે ઓળખાય છે.
૧૮૭૭માં એડિસને ગ્રામોફોનની શોધ કરીને
સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું. તેમની બીજી શોધોમાં નમ્ય (flexible) સેલ્યુલૉઇડની ફિલ્મ, આલ્કલાઇન સંગ્રાહક-કોષ, લોહના ખનિજને અલગ કરવાની ચુંબકીય પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમીટર વગેરેને
ગણાવી શકાય. એડિસનના નામ ઉપર ૧૦૯૩ પેટન્ટ હતી.
તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે નૌકાસૈન્યની
સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. ૧૯૨૦માં યુ.એસ. સરકારે સ્થાપેલ પ્રથમ સંરક્ષણ-પ્રયોગશાળા તેમનાં સૂચનોને કારણે શક્ય
બની. તેમનાં પ્રથમ પત્ની મૅરી સ્ટીલવેલ ગુજરી જતાં, મીન મિલર સાથે લગ્ન કરેલું. તેમના એક પુત્ર ચાર્લ્સ એડિસન નૌકાસૈન્યના સચિવ અને ન્યૂ જર્સીના
ગવર્નર બનેલા. જીવનના અંત સુધી તેઓ વૈજ્ઞાનિક શોધખોળમાં રચ્યાપચ્યા રહ્યા હતા. ઘડપણમાં તેઓ ઘાસમાંથી રબર લેટેક્સ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જીવનના અંત સુધી તેમનું મુખ્ય સ્વભાવ-લક્ષણ તીવ્ર જિજ્ઞાસા રહ્યું હતું.
READ થાઇલેન્ડ,Thailand
0 ટિપ્પણીઓ
Please do not share links in comment