દત્તાત્રેય
વિષ્ણુ ભગવાનના ૨૪ અવતારોમાંનો એક.
તેઓ ઋષિ અત્રિ અને સતી અનસૂયાના પુત્ર
હતા. પૌરાણિક કથા મુજબ સૃષ્ટિની વૃદ્ધિ કરવાની પિતામહની આજ્ઞાથી મહર્ષિ
અત્રિએ પ્રભુની આરાધના કરી. તેમની ભક્તિથી સંતુષ્ટ થઈ ત્રણેય મહાન દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતપોતાના અંશથી તેમને ત્યાં પુત્ર થવાનું વરદાન
આપ્યું. દત્ત ભગવાન વિષ્ણુના અંશથી જન્મ પામ્યા. તેમનું મૂળ નામ ‘દત્ત’ હતું; પરંતુ અત્રિના પુત્ર હોવાથી ‘આત્રેય’ કહેવાયા અને ‘દત્તાત્રેય’ તરીકે જાણીતા થયા. દુર્વાસા, સોમ અને અર્યમા તેમના ભાઈઓ હતા. તેમની બહેન અમલા ઋષિકા હતી. મહાભારત પ્રમાણે તેમના પુત્રનું નામ નિમિ ઋષિ હતું. માગશરની પૂનમે તેમની જન્મજયંતી ‘દત્તજયંતી’ તરીકે ઊજવાય છે.
દત્તાત્રેયનું પ્રથમ સ્વરૂપ
બ્રહ્મજ્ઞાની યોગીનું છે. ગિરનાર પર્વત ઉપર તેમની સિદ્ધપીઠ છે. ત્યાં અનેક સિદ્ધયોગીઓ યોગસાધના કરે છે. દત્તાત્રેય તેમના પૂજનીય ગુરુ ગણાય છે. ભાગવત મુજબ વિષ્ણુના બાવીસ અવતારોમાં
એક અવધૂત યોગીનો હતો. તેમણે ભક્ત પ્રહ્લાદને ઉપદેશ આપ્યો હતો. તેમના શિષ્યોમાં અલર્ક, યદુ અને કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન મુખ્ય હતા.
દત્તાત્રેયનું દેવ તરીકેનું સ્વરૂપ
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રિદેવોનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં - પહેલું મુખ બ્રહ્માનું, વચલું વિષ્ણુનું અને છેલ્લું ત્રીજું મુખ શિવનું છે. ત્રણેય દેવોનાં આયુધો તેમના હાથમાં છે, અને શ્વાન તેમનું વાહન છે.
દક્ષિણ ભારતમાં દત્ત ભગવાનની પૂજાઉપાસના સવિશેષ થાય છે. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં દત્ત ભગવાનનાં અનેક મંદિરો તથા આશ્રમો આવેલાં છે. ગુજરાતમાં નર્મદા-કાંઠે નારેશ્વ૨માં રંગ અવધૂત તેમના ભક્ત હતા. તેમણે ‘દત્તબાવની’ કાવ્યની રચના કરી હતી. તે ભક્તિભાવપૂર્વક તેમના શિષ્યસમુદાયમાં ગવાય છે. રંગ અવધૂતના શિષ્યો તરીકે ખેડા જિલ્લાના માતરમાં બાલ અવધૂત, લીંચમાં પ્રેમ અવધૂત અને ભરૂચમાં નર્મદાનંદજી દ્વારા એમની પરંપરાનો ગુજરાતમાં પ્રચાર-પ્રસાર થયો છે.
રંગ અવધૂતના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીએ ‘દત્તપુરાણ’ રચ્યું છે. ગરુડેશ્વ૨માં તેમનું સ્થાન છે. રંગ અવધૂતનું ‘ગુરુલીલામૃત’ પણ આ પરંપરાનો સન્માન્ય ગ્રંથ છે. માર્કણ્ડેય પુરાણના ‘અવધૂતચરિત્ર’માં પ્રસિદ્ધ મદાલસોપાખ્યાને દત્તપરંપરાને દઢ બનાવી છે. ગુજરાતમાં દત્ત-પરંપરાના અનેક ભક્તો છે. દત્તાત્રેયે ચોવીસ ગુરુઓ કરી, જેમની પાસે જે જ્ઞાન હોય તે તેમની પાસેથી મેળવી લઈ લોકોને ગુણગ્રાહી
થવાનો ઉપદેશ આપ્યો છે.
READ દક્ષિણામૂર્તિ,Dakshinamurthy
0 ટિપ્પણીઓ
Please do not share links in comment